કેરી

કેરી આવવા પહેલાં ખેડૂતો પાસે જાતવાર જનરલ નોંધ મંગાવી લેવામાં આવે છે. ત્યારબાદ પરિપક્વ થતા પ્રથમ તોલના દિવસે પૂજા વિધિ કાર્ય બાદ કેરીનું તોલ કરવામાં આવે છે.

ખેડૂતો પોતાને ત્યાં પરિપક્વ થયેલ કેરીની જાતવાર બે દિવસ પહેલાં નોંધ આપે ત્યાર બાદ મંડળમાં ક્રેટમાં જાતવાર કેરી લઇ આવે જ્યાં ઇલેક્ટ્રોનિક કાંટાથી તોલ થાય. ત્યાં ફ્રૂટ મેનેજર માલ જોઈને તેને ડીસ્પેચ કરવા માટેનું સ્થળ નક્કી કરી તોલ કરનારને જણાવે જે તોલબૂકમાં ખેડૂતનું નામ, ગામ, વજન, જાત તૅમજ કયા સ્થળે વેચાણ થનાર છે તે નોંધ થાય. ખેડૂતને જાતવાર વજનની નોંધ સાથે કાચું વજન મળે છે જે ઉપર ફ્રૂટ મેનેજર ભાવો લખે છે. જે ઓફિસમાં રજૂ થતા પાકું બિલ બનાવી આપવામાં આવે. પાકું બિલ ઓફિસ સમય દરમયાન રજૂ થતા ૭૫% નાણાં રોકડા ખેડૂતને તે જ દિવસે મળી જાય છે.

કેરીની વેચાણ વ્યવસ્થા કેરીની જનરલ નોંધ તથા જુના અનુભવોને આધારે અંદાજ નક્કી કરી ગણદેવી કેનિંગ ફેક્ટરીમાં જિલ્લાની કેરીનું પુલિંગ કરતી બધી મંડળીઓના સેક્રેટરી ભેગા થઈ કુલ અંદાજ ખાસ કરીને કેસર, હાફુસ, રાજાપુરી, ટોટાપુરી તથા દેશી (પરચુરણ) જાતોનો ભેગો કરવામાં આવે છે. જેમાંથી ગણદેવી કેનિંગ ફેક્ટરીમાં કેટલા ટનનું કામકાજ કરનાર હોય તે બાદ કરીને બાકીની કેરીની વ્યવસ્થા આજુબાજુની કેનિંગ ફેક્ટરીમાં ક્વોન્ટિટીનો સોદો કરી આપવામાં આવે તથા દરરોજ કઈ ફેક્ટરીમાં કેટલો માલ પહોંચાડવાનો તે શિડયુલ જે તે ફેક્ટરીને આપવામાં આવે તથા રેગ્યુલર સીઝન શરૂ થાય એટલે સામાન્ય બજારભાવ આપી સીઝનનો શું રહેશે એવો ફેક્ટરી માલિકો સાથે વિચાર વિમર્શ કરી અંદાજિત ભાવો વેચાણના નક્કી કરી બધી મંડળીઓ સાથે મળી દરેક જાતવાર કેરીના ભાવોની રેંજ નક્કી કરી ખેડૂતોના ભાવો મુકવામાં આવે છે. ત્યારબાદ દરરોજ ગણદેવી કેનિંગ ફેક્ટરીમાં બધા સેક્રેટરીઓ ભેગા મળી બીજા દિવસે આવનાર જાતવાર કેરીની નોંધ મુજબ કઈ ફેક્ટરી માં કઈ મંડળીએ કેટલી કેરી અગાઉ આપેલ શિડયુલ મુજબ ફાળવણી કરીને દરેક મંડળી પોતાની એકત્રિત કેરી પોતે જે તે ફેક્ટરી માં દરરોજ રવાના કરવામાં આવે.

કેટલોક સારો માલ બજારમાં ગ્રેડિંગ કરીને સુરત,અમદાવાદ વગેરે જગ્યાએ પોતાના ડેપો ઉપર આપણા ભાવથી આપણા જ માણસો મારફત છૂટક વેચાણ માટે મોકલવામાં આવે. દશેરી, લંગડો વિગેરે જાતોનું વેચાણ મોકલીને જ વ્યવસ્થા કરવામાં આવે જે રાજસ્થાન કે દિલ્હીના બજારોમાં દલાલો મારફતે વેચાણ થાય છે, તથા ટોટાપુરી, રાજાપુરી, દેશી તથા પરચૂરણ જાતો મોટાભાગે અથાણાં બનાવનારી ફેક્ટરીઓમાં મોકલવામાં આવે છે.

આ રીતે સીઝનમાં વ્યવસ્થા કર્યાબાદ ભાવો નક્કી કરીને હિસાબો તૈયાર કરી ખેડૂતોને ઉપજનો વધારો વહેંચી આપી મંડળ મારફત 3% વહીવટી ખર્ચ લઇ બાકી રકમ ૨૫% તથા વધારાનો દરેક ખેડૂતને હિસાબ મોકલી નાણાં ચૂકવવામાં આવે છે.

ચીકુ

વર્ષની શરૂઆતમાં આખા વર્ષ દરમિયાન ખેડૂત કયા પાકની વ્યવસ્થા મંડળ મારફત કરાવવા માંગે છે તેની નોંધ તથા ચીકુ, કેળા વિગેરે પાકની અંદાજિત કેટલો પાક ઉત્પન્ન કરી મંડળને આપશે તેની નોંધ આપે છે. ત્યારબાદ કેટલાક વહીવટી નિયમો માટે ઉત્પાદકોની મિટિંગ બોલાવી ચર્ચા કરવામાં આવે જેમાં ચીકુ કેવી રીતે મંડળમાં લાવવા તથા ક્વોલિટી બાબતે ખેડૂતો સાથે ચર્ચા કરવામાં આવે.

દરેક લાભપાંચમથી ચીકુ પુલિંગની શરૂઆત કરવામાં આવે છે. ચીકુ સવારે ઝાડ ઉપરથી ઉતારી સાંજે ખેડૂતોએ પોતે પોતાના હિસાબે ગ્રેડિંગ કરીને લાવવાના હોય છે. મંડળમાં આવે ત્યારે વજનકાંટા ઉપર હોપરમાં ગ્રેડ પ્રમાણે છુટા જ તોલવામાં આવે, તેમાંથી ગમે તે કોથળામાંથી ૧૦ કિલો ની ટોપલી ભરી લેવામાં આવે જેને જંત્રી મશીનમાં નાખી ગણત્રી કરવામાં આવે. જેમ ફળો મોટા હોય તેમ ભાવો વધુ મળે અને નાના હોય તો ઓછા મળે છે. ૧૬ થી ૨૦ સ્ટેપની જંત્રી ગોઠવવામાં આવે. દરેક પાંચ પાંચ નંગે ભાવફેર થતો જાય. સીઝન મુજબ જંત્રીના નંગની શરૂઆત પણ નીચી જતી જાય તે રીતે ખેડૂતોને ભાવો તેના વજન અને નંગના આધારે આપવામાં આવે તથા ૧૦ કિલોદીઠ ક્વોલિટીના વધારાના પાંચ રૂપિયા સુધી આપવામાં આવે. ખેડૂતોને ગ્રેડ મુજબ, વજન, નંગ, ક્વોલિટી, ભાવ સાથે બિલ આપવામાં આવે અને ઓફિસ દરમ્યાન રજુ કરતા ૭૫% રોકડા આપવામાં આવે. બાકીના ૨૫% નાણાં તથા ઉપજનો વધારો ઉમેરી હિસાબો જૂન માસ બાદ ચૂકવવામાં આવે છે.

ખેડૂતોના ચીકુ આવ્યા બાદ ગ્રેડિંગ મશીન પાસે અકેઠા કરવામાં આવે ત્યારબાદ ગ્રેડિંગ મશીનથી વેચાણ માટેનું ગ્રેડિંગ કરી ડાયમંડ તથા ગોલ્ડ માર્ક સાથે ૮૦ થી ૮૫% ચીકુ દિલ્હીના બજારમાં અગાઉથી કરારીત કરેલ આડતીને ત્યાં વેચવા મોકલવામાં આવે. ત્યાંથી મળેલ ભાવો, ભાડું વિગેરેને ધ્યાનમાં રાખી તથા મુકતબજારના ભાવોને ધ્યાનમાં રાખી દરરોજ જંત્રી નક્કી કરવામાં આવે. ગ્રેડિંગ મશીન સેમી ઑટોમૅટિક છે. જેમાં ગ્રેડ મુજબ ચીકુ ગ્રેડ થઈ ૧૦ કિલો દરેક બોક્સમાં આવે ત્યારબાદ ટેપીંગમશિનથી ટેપ લાગી કન્વયેરથી સીધા ટ્રકમાં ભરવામાં આવે છે. ટ્રાન્સપોર્ટ માટે નવસારી જિલ્લાની ચીકુનું કામકાજ કરનારી બધી મંડળીઓ ભેગીથઈ ટ્રાન્સપોર્ટ કોન્ટ્રાક્ટરો સાથે કરાર કરવામાં આવે જેમાં વખોતવખત ભાડાના દરો અંગે વિચાર વિમર્શ થાય પરંતુ ચીકુ ફરજીયાત બધી મંડળીઓના લઇ લેવાની જવાબદારી ટ્રાન્સપોર્ટરોની હોય તથા ટ્રક બગડી જાય, અકસ્માત થાય તો નુકસાન થયેલ માલની ૭૫% નુકસાની ટ્રાન્સપોર્ટરોએ ચૂકવી આપવાની હોય. ટ્રક મોડી પહોંચે તો ભાવમાં ફેર પડે તેથી એવું ન થાય તે માટે વિશેષ કાળજી રાખવામાં આવે છે.

 

કેળા

કેળાં પકવતા ખેડૂતોના કેળાં પરિપક્વ થાય ત્યારે અંદાજિત મણ સાથે મંડળમાં દર અઠવાડીયે નોંધ આવે તે મુજબ ઓછામાં ઓછા ૧૫૦ મણ થી ૨૫૦ મણ સુધી કેળાંના વેપારી સાથે વાત કરી કેળાંનો ઓર્ડર આપવામાં આવે. ખેડૂતો કેળાં મંડળમાં લઇ આવે જેમાંથી પરિપક્વ કેળાં તથા ઓછા પરિપક્વ કે વધુ પડતા તૈયાર કે પોચા પડવા આવેલ કેળાં બે નંબરમાં લેવામાં આવે. જેનું વજન અડધું ગણીને જ ખેડૂતોને નોંધી આપવામાં આવે છે. દક્ષિણ ગુજરાતના કામરેજ કેળાં મંડળના દરરોજ નક્કી થતા ભાવો મુજબ જ વેપારીઓને કેળાં વેચવામાં આવે અને તે મુજબ જ ખર્ચ બાદ કરીને દર માસની તારીખ ૧ થી ૧૦, ૧૧ થી ૨૦, ૨૧ થી ૩૧ સુધીના દરેક દસ દિવસના ભાવોની રાશ કરીને ખેડૂતોને ૩% બચત અને ૩% વહીવટી ખર્ચ કાપીને હિસાબો આપવામાં આવે. ગુજરાત રાજ્ય કો. ઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન બારડોલીને કેળાંનું બિલ મોકલવામાં આવે તથા તેના માન્ય વેપારીઓને મંડળ કેળાં આપે જેથી કેળાંના નાણાં પરત મેળવવામાં મુશ્કેલી રહેતી નથી.

 

ડાંગર

વિભાગમાં ડાંગરના બે પાકો થાય છે – ઉનાળુ તથા ચોમાસુ. બન્ને ડાંગર પાકોની વ્યવસ્થા મોટે ભાગે ગણદેવી તાલુકા ખેડૂત સહકારી સંઘ મારફત કરવામાં આવે છે. ખેડૂતો પોતાને ત્યાં પાકતું ડાંગર કાપણી કરી સાફસફાઈ કરી તેને મંડળમાંથી લઇ ગયેલ ગુણીમાં ભરીને તાલુકા સહકારી સંઘમાં મોકલી આપે છે.

ગણદેવી તાલુકા ખેડૂત સહકારી સંઘમાં ડાંગરની જાત તથા ક્વોલિટી, વજન વિગેરે ચેક થઈ ગ્રેડ આપવામાં આવે તે મુજબ અગાઉથી નક્કી થયેલ દક્ષિણ ગુજરાતની ડાંગર પુલિંગની કામ કરતી બધી મંડળીઓ, સંઘો ભેગા મળી દરેક સીઝનના એડવાન્સના દરો નક્કી કરવામાં આવે તે મુજબ એક અઠવાડિયામાં મંડળમાંથી જ નાણાં મળી જાય તથા તેનો છેવટનો ચોમાસુ ડાંગરનો હિસાબ મે-જૂનમાં ચૂકવાય તથા ઉનાળુ ડાંગરનો દિવાળી પહેલા ચૂકવવામાં આવે. ખેડૂત પોતાના સાધનથી તાલુકા સંઘ જણાવે ત્યાં ડાંગર પહોંચાડે તો તેને ગુણી દીઠ ટોકન રૂપે ભાડાના નાણાં પણ ચુકવવામાં આવે છે.