ભારતની સહકારી પ્રવૃત્તિના ભીષ્મપિતામહ સ્વ. શ્રી વૈકુંઠભાઈ મેહતા જણાવે છે કે “સમાન જરૂરિયાતવાળી વ્યક્તિઓ જેઓ તેમની સામાન્ય જરૂરીયાતોની પ્રાપ્તિ અર્થે જોડાય છે એવા લોકોના સ્વેચ્છીક મંડળોને ઉત્તેજન આપતી વ્યાપક પ્રવૃત્તિનું એક પાસું તે સહકાર”. આપણે પણ એ સ્વીકાર્યું છે કે સહકારમાં સર્વોદય સમાયેલો છે અને સહકારી પ્રવૃત્તિની હકારાત્મક પરિણામોની સમાજ પર અસરના સાક્ષી છીએ. આ સહકારની યાત્રા અવિરત ચાલુ રહે અને તે દ્વારા આપણા વિભાગનો વિકાસ એ જ અમારું લક્ષ છે.
આપણા મંડળ ના કાર્યકરો સમાનતાના ધોરણે અને સ્વશાસનથી લોકશાહી પધ્ધતિએ કામ કરે છે. વિભાગના ખેડૂતો અને ખેતીને જીવંત રાખવા, ભવિષ્યના પડકારોને શોધી તેને પહોંચી વળવા
મંડળને સજ્જ બનાવવા માટે સંચાલક મંડળ હંમેશા પ્રયત્નશીલ રહે છે. આજે આર્થિક રીતે સંપૂર્ણ પગભર હોવા છતાં હોદ્દેદારો અને કર્મચારીઓનો અભિગમ સાદગીભર્યો રહ્યો છે અને રહેશે. આમ છતાં સહકારી પ્રવૃત્તિના ઉજવળ ભવિષ્ય માટે સભ્યોએ જાગૃત અને વફાદાર, હોદ્દેદારોએ જવાબદાર અને કર્મચારીઓએ કટિબદ્ધ રહેવું પડશે.
શરૂઆતમાં છટિયાના માંડવા અને આંબાના ઝાડ નીચે તોલ થી ચાલુ કરેલ મંડળને સુવિકસિત અને આર્થિક રીતે સધ્ધર મંડળ બનાવવા માટે પોતાનું યોગદાન આપનાર આઝાદી પહેલાના આપણા આ મંડળનાં પાયાના શિલ્પીઓને હું ઋણસ્વીકાર સાથે સાદર વંદન કરું છું. આ તમામ અગ્રણીઓ કોઈ યુનિવર્સીટીના ડીગ્રીધારી ન હોવા છતાં સહકારી ક્ષેત્રના તાત્કાલિક અને ભાવિ આયોજન અંગે દીર્ઘદ્રષ્ટિ તથા કોઠાસૂઝ ધરાવતા હતા. તેમણે પ્રગટાવેલી સહકારની જ્યોતને સંપ, ઐકય અને સદભાવનાથી સતત પ્રજવલિત રાખીએ એજ આપણું લક્ષ રહેશે.
આ સાથે નવી પેઢી ને હું એટલુજ કહેવા માંગું છું કે વર્તમાન સમય ખુબ જ વેગીલો છે, નવી નવી શોધ, નવી વૈજ્ઞાનિક પધ્ધતિઓ ખુબ ઝડપથી આવી રહી છે અને આપણે તેની સાથે કદમ મિલાવવાના છે. આપણા વિસ્તારની કરોડરજ્જુ સામાન આ સહકારી પ્રવૃત્તિને દીર્ઘાયુ બક્ષવા માટે કાબેલ યુવાનો આગળ આવે અને પોતાનું યોગદાન આપે. અંત માં એટલું જ કહીશ કે સફળ થવા માટે દ્રઢતાપૂર્વક સંકલ્પની જરૂર છે. તમારો આજનો દ્રઢ સંકલ્પ એ આવતીકાલની સફળતા છે.
જય સહકાર, જય હિંદ