શ્રી મુકેશભાઈ બી. નાયક

ગડત વિભાગ વિવિધ કાર્યકારી સહકારી ખેડૂત મંડળ નજીકના ભવિષ્ય માં ૭૫ વર્ષ અમૃત મહોત્સવ તરફ જઈ રહ્યું છે. શરૂઆતમાં આંબાના ઝાડ ઉપર કાંટો બાંધીને કેળા, સુરણ, કેરી વિગેરેનું તોલ થતું તથા આપણાં ફળપાકો કાચા માંડવામાં રાખવા પડતા હતા. સાત દાયકાના આ સમયગાળામાં સહકારની પ્રવૃત્તિને વેગવંતી કરી નવા જમાના સાથે તાલ મેળવવા માટે મંડળના દરેક ગામોમાં મંડળની દુકાનો ચાલુ કરી, ઓફિસનું નવું મકાન તથા માલ સંગ્રહ કરવા માટે ગોડાઉનો તથા જરૂર મુજબ જમીનો ખરીદ કરી આપણા દીર્ઘદ્રષ્ટીવાળા વહીવટ કર્તાઓએ સહકારનું ભવિષ્ય સુનિશ્ચિત કર્યું છે અને “બિંદુઓ ભેગા મળ્યા સિંઘુના આકારમાં, ભવ્યતાનું રૂપ છે જોઈ લો સહકારમાં” વાક્ય ને સાકાર કર્યું છે.

આજે આપણું મંડળ કોમ્પ્યુટરો થી સજ્જ છે, દરેક ગામની શાખાઓનો કારોબાર મુખ્યઓફિસ સાથે આપણી પોતાની વાયરલેસ લિંકથી જોડવામાં આવ્યા છે. છેલ્લા પાંચેક વર્ષથી ટેકનોલોજી માં ઝડપથી વિકાસ થઇ રહ્યો છે. મોબાઈલ ટેકનોલોજીએ વિશ્વભરની માહિતીને માણસનાં હાથ માં મૂકી દીધી છે. આજે વિશ્વ એક ગામડું બની ગયું છે. આપણે પણ આ મોબાઈલ ક્રાંતિથી અળગા નથી અને આપણા સભાસદો જયારે આંગળીના ટેરવે દુનિયાભરની માહિતીથી અપડૅટ થતા હોય તો આપણે પાછળ કેમ રહીએ! આ વાતને ધ્યાનમાં રાખી મંડળે પણ પોતાના સભાસદો તથા ગ્રાહકોને મંડળ સાથેના વ્યવહારમાં કે માહિતીની આપલેમાં સુગમતા રહે તે માટે GKM ના નામની એક મોબાઈલ એપ્લિકેશન બનાવેલ છે. આ એપ દ્વારા માહિતીનું ઝડપથી પ્રસારણ કરવામાં સરળતા રહેશે. આ એપ સભાસદોને જરૂરી સૂચના, વાર તહેવારે થતા સીઝનલ વેપાર અંગે ની જાહેરાતો તથા ખેતીલક્ષી માહિતીઓ મેળવવાનું એક હાથવગું સાધન બની રહેશે. આપ સૌ આ પ્રયાસને વધાવશો તથા આપસૌ હકારાત્મક સૂચનો કરશો એવી અપેક્ષા અસ્થાને નથી જ.

આ ઉપરાંત આવનારા સમયમાં સભાસદો તેમને લગતી માહિતી જેવી કે ફળનું વજન, કિંમત, ઉપાડ અને જમા કરાવેલ રકમ જેવી માહિતીઓ ઘર બેઠા મોબાઈલ અથવા વેબસાઈટ પરથી ઉપલબ્ધ કરવા માટે અમે પ્રયત્નશીલ છીએ. દરરોજ નવી નવી ઉમેરાતી ટેકનોલોજીમાં મંડળ પણ અપડૅટ થતું રહે અને ખુબજ ટેકનોલોજીકલ રીતે અને સદ્ધરતાથી વિકાસની હરણફાળ ભરતું રહે એવી અભ્યર્થના.